
જીવન વીમા વિશે થોડું જાણીએ
જે કોઈ વ્યક્તિ પર પરિવારની જવાબદારી હોય, તેણે અચૂકપણે પોતાનો જીવન વીમો લેવો જોઈએ. ભારતમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના જીવન વીમા વિશે જાણીએ.

જીવન વીમો એટલે પરિવાર માટે આર્થિક સલામતી.
એ ઉપરાંત, જીવન વીમાની મદદથી, વિવિધ લક્ષ્યો માટે બચત પણ કરી શકાય.
જીવન વીમો શું છે?
જીવન વીમો લોકો અને તેમના પરિવારને આર્થિક સલામતી આપે છે.
જ્યારે કોઈ વ્યક્તિ વીમો ખરીદે ત્યારે વીમા કંપની અને એ વ્યક્તિ વચ્ચે કાયદેસરનો કરાર થાય છે. એ કરાર મુજબ જો વીમા ધારક વ્યક્તિનું મૃત્યુ થાય તો વીમા કંપની તેના પરિવારને વીમા યોજના મુજબ નક્કી થયેલી રકમ ચૂકવે છે.
આવું વીમા રક્ષણ મેળવવા માટે વીમા ધારક વ્યક્તિ વીમા કંપનીને નિયમિત પ્રીમિયમ ચૂકવે છે.

ભારતમાં મુખ્ય ચાર પ્રકારના જીવન વીમા ખરીદી શકાય છે...
ટર્મ ઇન્સ્યોરન્સ
ટર્મ ઇન્સ્યોરન્સ એટલે કે નિશ્ચિત મુદ્દતનો વીમો એ જીવન વીમાનો સૌથી સામાન્ય પ્રકારનો વીમો છે.
તેમાં મોટા ભાગે ૧૦, ૨૦ કે ૩૦ વર્ષની નિશ્ચિત મુદ્દત માટે વીમાનું કવરેજ મળે છે. જો વીમાધારકનું વીમાની મુદ્દત દરમિયાન મૃત્યુ થાય તો વીમા કંપની તેના લાભાર્થીને વીમાની રકમ ચૂકવી આપે છે. ટર્મ ઇન્સ્યોરન્સમાં ઓછા પ્રીમિયમે વધુ સુરક્ષા મળે છે.
એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સ
એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સ એ જીવન વીમા અને બચતનું મિશ્રણ છે.
આ પ્રકારના વીમાનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં નિશ્ચિત સમયગાળા માટે વીમાનું રક્ષણ મળવા ઉપરાંત વધારાના ફાયદા પણ છે. તેમાં વીમાની મુદ્દત પૂરી થતાં વીમાધારકને વીમાની રકમ તથા કોઈ બોનસ મળ્યા હોય તો એ પરત મળે છે.
મની બેક-ઇન્સ્યોરન્સ
આ પ્રકારનો વીમો એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સનો એક પેટા પ્રકાર છે, જે નિશ્ચિત લક્ષ્યો માટે બચત કરવામાં મદદરૂપ થાય છે.
તેમાં વીમાધારકને વીમાની મુદ્દત દરમિયાન નિશ્ચિત સમયાંતરે રકમ પરત મળે છે. બાળકના શિક્ષણ કે પોતાની નિવૃત્તી જેવા ચોક્કસ લક્ષ્ય માટે બચત કરવા માગતી વ્યક્તિ માટે આ સારો વિકલ્પ છે.
યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (યુલિપ)
આ પ્રકારની યોજનામાં વીમા કંપની પ્રિમિયમનો અમુક હિસ્સો ઇક્વિટી તથા ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરે છે.
આ કારણે વીમા ધારકને ઊંચું વળતર મળી શકે છે. યુલિપ શેરબજાર આધારિત હોવાથી તેમાં ઊંચું જોખમ પણ છે. વીમા એજન્ટ સાચી સલાહ આપીને આ જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

જીવન વીમો ખરીદવાનો મુખ્ય લાભ
વીમા યોજના ખરીદવાથી પરિવારને આર્થિક સુરક્ષા મળે છે.
વીમાધારકના અણધાર્યા મૃત્યુથી તેની આવક બંધ થાય તો પણ વીમા યોજના અનુસાર એક સાથે મોટી રકમ મળવાથી પરિવારની ભવિષ્યની આર્થિક જરૂરિયાતો સંતોષી શકાય છે.

અન્ય લાભ...
ટેક્સમાં રાહત
ભારતમાં ઇન્કમટેક્સ એક્ટ, 1961ના સેકશન 80-સી હેઠળ જીવન વીમા માટે ભરવામાં આવતી પ્રીમિયમની રકમ ટેક્સમાં કપાતને પાત્ર છે.
બચત અને મૂડીરોકાણ
એન્ડોવમેન્ટ અને મની-બેક પ્લાન જેવી જીવન વીમા યોજનાથી બચત અન મૂડીરોકાણ બંને હેતુ પાર પાડી શકાય છે.
માનસિક શાંતિ
વ્યક્તિના મૃત્યુ પછી પણ પરિવારની આર્થિક સ્થિતિ જોખમાશે નહીં એ વાત કોઈ પણ વ્યક્તિને અપાર માનસિક શાંતિ આપી શકે છે.
LICના જીવન વીમા ખરીદવાના ફાયદા


આર્થિક સદ્ધરતાનો વિશ્વાસ
LIC ભારત સરકારની માલિકીની કંપની છે અને ભારતની આર્થિક રીતે સૌથી વધુ સ્થિર કંપનીઓમાંની એક છે.
વિશાળ પ્રોડક્ટ રેન્જ
સમાજના જુદા જુદા વર્ગોની વીમા જરૂરિયાત જુદી જુદી હોય છે. LIC એ સૌની જરૂરિયાત સંતોષતી અનેક પ્રકારની વીમા યોજનાઓ ઓફર કરે છે.
પરવડે તેવું પ્રીમિયમ
LICનાં પ્રીમિયમ પરવડે તેવા હોય છે. પોતાનું પ્રીમિયમ નિયમિત રીતે ભરતા લોકોને કંપની ડિસ્કાઉન્ટ પણ આપે છે.
સારી ગ્રાહક સેવા
LIC સમગ્ર ભારતમાં ઓફિસો તથા એજન્ટનું વિશાળ નેટવર્ક ધરાવે છે. આથી વીમા ધારકોને સારામાં સારી ગ્રાહક સેવા મળી શકે છે.